ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા રાજ્યમાં નોકરી શોધવી મુશ્કેલ છે અને હાલમાં કોરોનાવાઇરસના કારણે યુવાનો માટે નોકરી મેળવવી ઘણી અઘરી બની ગઇ છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, તાસ્માનિયામાં 15થી 24 વર્ષની વયજૂથના લગભગ 38 ટકા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.
કોરોનાવાઇરસ બાદ પરિસ્થિતી વધુ વણસી
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિસા બાબતો અંગે સલાહ આપતા એક્સપર્ટ એજ્યુકેશન એન્ડ વિસા સર્વિસના રશિક શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે, તેમના ઘણા ગ્રાહકો કોરોનાવાઇરસ અગાઉ પણ નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરતા હતા.
મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ઘણી તકલીફ પડે છે. અને તેમાં પણ કોરોનાવાઇરસના કારણે તેઓ વધુ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. તેમને યુનિવર્સિટીની ફી સહિતના અન્ય જરૂરી ખર્ચમાં નાણાકિય મુશ્કેલીનો અનુભવવી પડે છે.

Merina Maharjan Source: SBS
નોકરીમાં પણ કામના કલાકો ઓછા થયા
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મેરિના મહાજન ચાર વર્ષ અગાઉ નેપાળથી ઓસ્ટ્રેલિયા આવી હતી. અને, તે એડવાન્સ લીડરશીપ કોર્સ કરવા માટે ગયા વર્ષે હોબાર્ટ સ્થાયી થઇ હતી.
તેણે એકાઉન્ટીંગનો પણ અભ્યાસ કર્યો છે તેમ છતાં તેને પોતાના જ ક્ષેત્રમાં નોકરી મળી નહોતી. તેથી જ, મેરિનાએ ક્લિનીંગની નોકરી સ્વીકારી હતી પરંતુ કોરોનાવાઇરસના કારણે તે નોકરીના કલાકો 80 ટકા જેટલા ઓછા થઇ ગયા.
સ્થાનિક વિદ્યાર્થીઓને પણ નોકરી મેળવવામાં મુશ્કેલી
તાસ્માનિયામાં સ્થાનિક યુવાનોને પણ નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોબાર્ટની રહેવાસી સ્ટેયસી વોટકીન્સે જણાવ્યું હતું કે તે છેલ્લા 1.5 વર્ષથી હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં નોકરી શોધી રહી છે. કોરોનાવાઇરસના કારણે આ ક્ષેત્રમાં નોકરી મેળવવી શક્ય નથી.
જોકે, Transition to Work પ્રોગ્રામ દ્વારા ઘણો ફાયદો થઇ રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેની હોસ્પિટાલિટીમાંથી નોકરીના ઇન્ટરવ્યું માટે પસંદગી થઇ હતી.
તાસ્માનિયામાં કોરોનાવાઇરસનું લોકડાઉન અમલમાં આવ્યું ત્યાર બાદથી Transition to Work પ્રોગ્રામ અંતર્ગત Colony47 માં નોકરી શોધતા 200થી વધુ લોકોએ ભાગ લીધો છે.
તાસ્માનિયામાં યુવાનોમાં બેરોજગારી દર
બ્રધરહુડ ઓફ સેન્ટ લૌરેન્સે માર્ચ 2019માં કરેલા એક અભ્યાસ પ્રમાણે, કોરોનાવાઇરસ અગાઉ તાસ્માનિયામાં યુવાનોમાં બેરોજગારીનો દર 15.9 ટકા જેટલો હતો. તે સમયે રાષ્ટ્રીય સ્તરે યુવાનોમાં બેરોજગારીનો દર 11.2 હતો.
કોરોનાવાઇરસ બાદ ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના લેબર ફોર્સના અર્થશાસ્ત્રી સૌલ ઇસ્લેકે કરેલા અભ્યાસ પ્રમાણે, તાસ્માનિયામાં 15થી 24 વર્ષના વયજૂથના 38.8 ટકા લોકોએ તેમની નોકરી ગુમાવી છે.
નેશનલ સ્કીલ્સ કમિશને કરેલા એક તારણમાં પણ યુવાનોમાં બેરોજગારીનો દર વધ્યો હોવાનું જાણવા મળ્યું હતું. માર્ચ 2020માં યુવાનોમાં બેરોજગારીનો દર 11.6 ટકા હતો, તે મે 2020માં વધીને 16.1 ટકા પહોંચી ગયો હતો.
યુવાનોમાં બેરોજગારી ઘટે તે દિશામાં કાર્ય થશે
તાસ્માનિયાના શિક્ષણ અને ટ્રેનિંગ મંત્રી જેરેમી રોક્લિફે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના કારણે રાજ્યમાં યુવાનોમાં બેરોજગારીનો દર વધ્યો છે અને સરકાર તેમને ફરીથી નોકરી મળે તે માટે કેટલાક ટ્રેનિંગ કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે.
બાંધકામ ક્ષેત્રમાં નોકરીની તકો
બીજી તરફ, 27 વર્ષીય ડેનેલિયાએ જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના કારણે ઘણા બઘા ક્ષેત્રોને અસર પડી છે અને લોકોએ નોકરી ગુમાવી છે પરંતુ, બાંધકામ ક્ષેત્રમાં નોકરીની તકોનું નિર્માણ થઇ રહ્યું છે.
આ ક્ષેત્રમાં નોકરીની તકો હોવાથી જ તે કન્સ્ટ્રક્શનમાં સર્ટિફીકેટ – 2નો અભ્યાસ કરી રહી છે.