ઓસ્ટ્રેલિયામાં બેરોજગારીનો સામનો કરી રહેલા લોકોને જીવન-નિર્વાહ કરી શકે તે માટે પ્રતિદિન 40 ડોલરનું ભથ્થું આપવામાં આવે છે પરંતુ તેમાંથી પણ જીવનનિર્વાહના અન્ય ખર્ચા પૂરા ન પડી શકવાના કારણે બેરોજગાર લોકો દિવસમાં એક જ વખત ભોજન કરી ભૂખ્યા રહીને કરકસર કરે છે.
ધ ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસે આ અંગે 465 ન્યૂસ્ટાર્ટ અને 24 યુથ એલાઉન્સના લાભાર્થીઓ પર અભ્યાસ કર્યો હતો.
ચોંકાવનારું તારણ
અભ્યાસમાં બાદ કરવામાં આવેલા તારણ પ્રમાણે, લગભગ 84 ટકા ઉમેદવારોએ નાણાની બચત કરવા માટે પોતે દિવસમાં એક જ સમય ભોજન લેતા હોવાનું સ્વીકાર્યું હતું જ્યારે લગભગ 44 ટકા લોકોએ અઠવાડિયામાં પાંચ વખતનું ભોજન ટાળતા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે, 12 ટકાથી વધારે લોકોએ અઠવાડિયામાં આઠ વખત ભૂખ્યા રહેવાનો સ્વીકાર કર્યો હતો.

Source: AAP, Press Association
ભોજન જ નહીં, અન્ય સુવિધા પણ છોડવા મજબૂર
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે બેરોજગાર લોકો ફક્ત ભોજન જ નહીં પરંતુ અન્ય સુવિધા પણ છોડવા મજબૂર બને છે. નાણાની બચત કરવા માટે તેઓ ઠંડીમાં હીટર જ્યારે ગરમીમાં કૂલરનો વપરાશ ટાળતા હોવાનું જણાવ્યું હતું.
અભ્યાસમાં ભાગ લેનાર એક ઉમેદવારે જણાવ્યું હતું કે તે અઠવાડિયામાં એક જ વખત નહાય છે જેથી ઇલેક્ટ્રીસિટીની બચત કરી શકે. આ ઉપરાંત, એવી જ ખાદ્યસામગ્રી પસંદ કરે છે જેમાં રેફ્રીજરેટરની જરૂરીયાત ન હોય.
ન્યૂસ્ટાર્ટ એલાઉન્સની વિગતો
- કોઇ પણ બેરોજગાર વ્યક્તિ કે જેની પર કોઇ અન્ય વ્યક્તિ આધારિત ન હોય તેને પ્રતિ અઠવાડિયે 282 ડોલર એટલે કે પ્રતિ દિન 40 ડોલર જેટલી રકમ મળે છે.
- લગભગ 40 જેટલા લોકો ઘરના ભાડા પેટે 69 ડોલર પ્રતિ અઠવાડિયે મેળવે છે.
- લગભગ 50 ટકાથી પણ વધારે લોકોએ અઠવાડિયાની 100 ડોલરથી પણ ઓછી બચત થતી હોવાનું કબૂલ્યું હતું.
Image
ન્યૂસ્ટાર્ટ એલાઉન્સ વધારવાની જરૂર
ધ ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસના સિનીયર પોલિસી મેનેજર ચેર્માઇન ક્રોવે SBS News ને જણાવ્યું હતું કે, અભ્યાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અને, બેરોજગાર નાગરિકોની પરિસ્થિતી સુધરે તે માટે તેમના એલાઉન્સમાં વધારો થાય તે જરૂરી છે.
સર્વેના તારણ બાદ સરકાર પર એલાઉન્સ વધારવાનું દબાણ વધી રહ્યું છે અને તેને અઠવાડિયે 75 ડોલર સુધી વધારવાની માંગ કરાઇ છે.