ઓસ્ટ્રેલિયાના મેલ્બોર્ન શહેરમાં રહેતા જૈન સમાજના લોકો માટે બની રહેલા કમ્યુનિટી સેન્ટર તથા દેરાસર માટે વિક્ટોરીયન સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે. જે અંતર્ગત વિક્ટોરીયાના બહુસાંસ્કૃતિક સમાજના મંત્રી રોબિન સ્કોટે એક કાર્યક્રમમાં સમાજને 230,000 ડોલરની મદદ કરતો ચેક એનાયત કર્યો હતો.
વિક્ટોરીયન સરકાર દ્વારા મળી રહેલી મદદ અંગે મેલ્બોર્ન શ્વેતાંબર જૈન સંઘના પ્રમુખ નિતીન દોશીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, મેલ્બોર્નમાં રહેતા જૈન લોકો માટે આ એક આનંદના સમાચાર છે. જૈન સમાજ માટે તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે સેન્ટર છે પરંતુ અમારું આયોજન આધુનિક સુવિધાઓ સાથેનું વિશાળ કમ્યુનિટી સેન્ટર બનાવવાનું છે. જેમાં વિક્ટોરિયાની સરકાર દ્વારા સમાજને 230,000 ડોલરની મદદ કરવામાં આવી છે.
2800 સ્ક્વેર મીટરમાં નિર્માણ થનારા સેન્ટરના સંપૂર્ણ ખર્ચને પહોંચી વળવા માટે મેલ્બોર્નમાં રહેતા જૈન સમાજના લોકોએ યથાશક્તિ મદદ કરી હતી પરંતુ હવે વિક્ટોરીયન સરકારે પણ સેન્ટર માટે મદદ કરી છે.

Robin Scott, Minister for Multicultural Affairs presented the cheque to Jain community to develop community center in Melbourne. Source: Melbourne Shwetambar Jain Sangh
"સેન્ટરના એક ભાગમાં ધાર્મિક પુસ્તકો ધરાવતું વાંચનાલય બનાવાશે અને મહિલાઓ અને વૃદ્ધોને સાંકળતી હાલની પ્રવૃત્તિઓમાં વધારો થશે."
"મેલ્બોર્ન ખાતેના જૈન સમાજના સેન્ટરનું નિર્માણ કાર્ય 2020માં શરૂ થશે અને તે 2021 સુધીમાં પુરું થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે," તેમ સમાજના પ્રમુખ નિતીન દોશીએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં વસતો જૈન સમુદાય
બીજી તરફ, વિક્ટોરિયાના બહુસાંસ્કૃતિક મંત્રી રોબિન સ્કોટે ટ્વિટરના માધ્યમથી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "આ કેન્દ્રના નિર્માણ બાદ જૈન સમાજના લોકોને ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટેની જરૂરી જરૂરી સુવિધાઓ સાથેનું સુરક્ષિત વાતાવરણ મળી રહેશે."
જૈન સમાજના લોકોની સંખ્યા આશરે 1000 જેટલી છે. સમાજના કેન્દ્ર માટે મદદ મળ્યા બાદ આનંદ વ્યક્ત કરતાં ચિરાગ શાહે જણાવ્યું હતું કે, "જૈન સમાજના લોકો માટે બની રહેલા કેન્દ્ર માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે તે પ્રશંસનીય છે. આ કેન્દ્રના બનવાથી મેલ્બોર્ન સ્થિત જૈન સમાજના લોકો ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાઇ શકશે."
"સેન્ટર દ્વારા ફક્ત પ્રવચન, સૂત્રો શીખવવા જેવી ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે આગામી પેઢીના બાળકો માટે ગુજરાતી તથા હિન્દી ભાષા શીખવવા માટેના વર્ગો અને અન્ય સામાજિક પ્રવૃત્તિનું આયોજન કરવાના હેતૂ સાથે કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. હવે તેમાં સરકારે પણ નાણાકિય મદદ કરતા જૈન સમાજને કેન્દ્રનું નિર્માણ કરવા માટેનો એક જરૂરી સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત હાલમાં મહિલાઓ માટે થઇ રહેલી પ્રવૃત્તિઓમાં વધારો થાય તેવી આશા છે," તેમ દર્શીની શાહે જણાવ્યું હતું.

કરણ શાહે કેન્દ્રના નિર્માણ બાદ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાવવાની આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હાલના જૂના કમ્યુનિટી સેન્ટરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે પરંતુ નવા વિશાળ કેન્દ્રમાં વધુ ધાર્મિક કાર્યક્રમ તથા પ્રવચનનું આયોજન ઉપરાંત યોગા અને પોઝીટિવ થીંન્કીંગ માટેના વર્ગ અને ધાર્મિક પુસ્તકો વાંચવા માટેનું ગ્રંથાલય શરૂ થશે તે થશે જે નવી પેઢીના બાળકોને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનું કાર્ય કરશે."