ઓસ્ટ્રેલિયામાં બાયોસિક્યોરિટીના નિયમ તોડવા બદલ કોર્ટ ગુનેગારને મહત્તમ 1.11 મિલીયન ડોલરનો દંડ ફટકારી શકે છે.
સુધારેલો નવો કાયદો ઓસ્ટ્રેલિયન સંસદના બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન સરકારના નવા કાયદા પ્રમાણે બાયોસિક્યોરિટી એક્ટ 2015 અંતર્ગત 28 સિવીલ અને ક્રિમીનલ ગુના હેઠળ દંડમાં વધારો કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના કૃષિ, દુકાળ તથા ઇમર્જન્સી મેનેજમેન્ટના મંત્રી ડેવિડ લિટલપ્રાઉડે જણાવ્યું હતું કે બાયોસિક્યોરિટી સુધારા કાયદા 2021 અંતર્ગત 28 જેટલા ગુનામાં દંડની રકમ વધારવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર દેશમાં બાયોસિક્યોરિટીના કાયદાનું યોગ્ય રીતે પાલન થાય તે માટે કટિબદ્ધ છે. કડક નિયમો દ્વારા ઓસ્ટ્રેલિયાના કૃષિ, નોકરી, નિકાસ તથા પર્યાવરણને સુરક્ષિત રાખી શકે છે.
નવો કાયદો ઓસ્ટ્રેલિયાના 66 બિલીયન ડોલરના કૃષિ ક્ષેત્ર તથા 1 ટ્રિલીયન ડોલર જેટલી પર્યાવરણીય મિલકતોને નુકસાન કરતા લોકો માટે એક ચેતવણી સમાન છે.
ઓસ્ટ્રેલિયાની વનસ્પતિ, છોડ, પશુ, પક્ષી તથા દેશના રહેવાસીઓના આરોગ્યને જાણીજોઇને નુકસાન પહોંચાડનારા લોકોની સામે ગંભીર પગલા લેવામાં આવશે તેમ મંત્રી ડેવિડ લીટલપ્રાઉડે જણાવ્યું હતું.
ઇરાદાપૂર્વક બાયોસિક્યોરિટીના નિયમો ભંગ કરનારને વધુ સમય માટે જેલની સજા તથા 1.11 મિલીયન ડોલર જેટલો દંડ થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 1 વર્ષમાં અત્યાર સુધીમાં 14 મુસાફરોને બાયોસિક્યોરિટીના નિયમ ભંગ બદલ પરત મોકલી દેવામાં આવ્યા છે.
દંડમાં કરવામાં આવેલો વધારો વ્યક્તિગત તથા વેપાર - ઉદ્યોગ તમામને અસર કરશે.
વેપાર - ઉદ્યોગો કે જેઓ વિવિધ ખાદ્ય-પદાર્થો તથા કૃષિને લગતી ચીજવસ્તુઓની ઓસ્ટ્રેલિયામાં આયાત કરે છે તેમને આ કાયદા અંગે ચોક્કસ માહિતી તથા તેમની જવાબદારીઓ વિશે ધ્યાન રાખવા જણાવાયું છે.
ઓસ્ટ્રેલિયામાં લાવી શકાતી તથા પ્રતિબંધિત ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવવા ની મુલાકાત લો.