ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને છેતરપીંડીના ઉદ્દેશ્ય સાથે મિસ્ડ કોલ અથવા વોઇસમેલના નામથી મોબાઇલમાં કેટલાક મેસેજ (સંદેશ) મોકલવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં સ્કેમવોચને આ અંગે 5500 જેટલી ફરિયાદો મળી છે. વર્ષ 2021માં અન્ય દેશોમાં પણ આ પ્રકારની છેતરપીંડીના કિસ્સા નોંધાયા છે.
મોબાઇલમાં આવતા સંદેશ પ્રમાણે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવવામાં આવે છે. જોકે, આ મેસેજ નકલી હોય છે તેમાં કોઇ વોઇસમેલ નથી. છેતરપીંડી માટેના આ સોફ્ટવેરનું નામ 'Flubot' છે.
એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં આ 'Flubot' દ્વારા મેસેજ મોકલવામાં આવે છે.
જો તમે આ મેસેજ મેળવો તો તેની લિંક પર ક્લિક ન કરવું અને તાત્કાલિક ધોરણે તે ડિલીટ કરી દેવો.
છેતરપીંડી માટેનો સંદેશ કેવો હોય છે
- આ સંદેશમાં 5-6 અક્ષરો લખેલા હોય છે અને ત્યાર બાદ, તમને મિસ્ડકોલ અથવા વોઇસમેલ મેસેજ મોકલવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે.
- તેમાં કેટલીક અક્ષરોની અથવા વ્યાકરણની ભૂલ હોય છે.
- ત્યાર બાદ, તેમાં એક લિન્ક હોય છે. જો તમે આ વોઇસમેલ સંદેશ નહીં જુઓ તો તે ડિલીટ થઇ જશે તેમ જણાવવામાં આવે છે.
- જો તમે તે લિંક પર ક્લિક કરશો તો શું થશે
- તે લિન્ક પર ક્લિક કે ડાઉનલોડ કરવાથી તમારા ફોનમાં તે સોફ્ટવેર ડાઉનલોડ થઇ શકે છે.
જો તમે તેની પર ક્લિક કરશો તો તમને તમારી મોબાઇલની સ્ક્રીન પર...
- તમારો ફોન નંબર
- તે નકલી સંદેશ કેટલી મિનીટનો છે
- વોઇસમેલ એપ ડાઉનલોડ કરવા લિન્ક અને જો તમારા ફોનમાં તે બ્લોક કરવામાં આવેલી હોય તો તેને ડાઉનલોડ કરવાની મંજૂરી દર્શાવાશે.

Missed call or voicemail message scams affecting millions of Australians. Source: Scamwatch
- જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો, તે Voicemail71.apk નામથી ડાઉનલોડ થશે. તે છેતરપીંડી માટેની એપ્લિકેશન છે.
- ત્યાર બાદ તમને તે એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરવા જણાવવામાં આવશે.
આ એપ્લિકેશન તમારા ફોનના...
- સંદેશા વાંચી શકે છે
- સંદેશ મોકલી શકે છે
- ફોન કરી શકે છે
- તમારા કોન્ટેક્ટ્સ (સંપર્ક) મેળવી શકે છે.
આ ઉપરાંત, છેતરપીંડી આચરનારા લોકો તમારા પાસવર્ડ્સ અને એકાઉન્ટ્સની પણ જાણકારી મેળવી શકે છે. જેના દ્વારા વ્યક્તિગત માહિતી અને નાણાકિય છેતરપીંડી પણ થઇ શકે છે.
જો તમારી પાસે iPhone હોય તો...
જો તમારી પાસે iPhone હોય તો તમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા એક લિંન્ક મોકલવામાં આવશે. આ સોફ્ટવેર Flubot જેવું નથી પરંતુ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે ભૂલથી તે ડાઉનલોડ કરી દીધું છે તો...
જો તમે લિન્ક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે તો તમારા પાસવર્ડ્સ અને ઓનલાઇન એકાઉન્ટ્સ હેકર્સ પાસે પહોંચી શકે છે.
તમે જ્યાં સુધી નીચેના પગલાં ન ભરો ત્યાં સુધી પાસવર્ડ્સ કે એકાઉન્ટ્સમાં લોગ - ઇન ન થવું.
- તમારા મોબાઇલને કોઇ જાણકાર પાસે બતાવો
- ગૂગલ પ્લે-સ્ટોરમાંથી એન્ડ્રોઇડ એન્ટી-વાઇરસ સોફ્ટવેર ડાઉનલોડ કરો
- ફોનનું ફેક્ટરી રીસેટ કરો
ફેક્ટરી રીસેટ દ્વારા તમારા ફોનમાં રહેલા તમામ ફોટો, સંદેશ તથા એપ્લિકેશનન્સ ડિલીટ થઇ જશે.
જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ કોઇ એકાઉન્ટ્સમાં લોગ-ઇન કર્યું હોય તો તેના પાસવર્ડ્સ બદલવાની જરૂર છે.
બેન્કનો સંપર્ક કરીને બેન્ક એકાઉન્ટ્સ સુરક્ષિત છે કે કેમ તે અંગે ખાતરી કરી શકાય.