ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની પોલીસ રાજ્યના નાગરિકોને યોગ્ય સુરક્ષા મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવતી રહે છે. તેમાં સોમવારે વધુ એક ટેક્નોલોજીનો ઉમેરો થયો હતો.
સોમવારથી, વિક્ટોરિયા પોલીસના રોડ પોલીસીંગ કમાન્ડે હાઇ-વે પેટ્રોલ ડ્યુટી માટે ઇલેક્ર્ટીક ટેસ્લા મોડલ એક્સ (Tesla Model X)નો ઉપયોગ શરૂ કર્યો છે. ટેસ્લાના ઇલેક્ટ્રીક મોડલનો ઉપયોગ કરનારી વિક્ટોરિયન પોલીસ દેશની પ્રથમ પોલીસ બની ગઇ છે.
રાજ્યના નાગરિકોને વધુ સરક્ષા પૂરી પાડી શકાય તે હેતૂથી વિક્ટોરિયન પોલીસે પોતાના કાફલામાં પાંચ દરવાજા, પાંચ સીટ ધરાવતી એસયુવી (SUV) કારનો સમાવેશ કર્યો છે. કાર ઇલેક્ટ્રીક હોવા ઉપરાંત, તેમાં અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાઓ પણ હશે.
રોડ પોલીસીંગ કમાન્ડના આસિસ્ટન્ટ કમિશ્નર સ્ટીફન લેઆનેએ જણાવ્યું હતું કે, કાર વિક્ટોરિયા પોલીસ પાસે રહેલા વાહનો, ટેક્નોલોજીના ઇતિહાસમાં એક નવો ઉમેરો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે રોડ પોલીસીંગ કમાન્ડ દ્વારા હાઇ-વે પેટ્રોલિંગ માટે કરવામાં આવશે. અદ્યતન ટેક્નોલોજી દ્વારા નાગરિકોની સુરક્ષામાં વધારો કરી શકાય છે, મને આશા છે કે આગામી સમયમાં દેશ અને વિશ્વની અન્ય પોલીસ પણ આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરશે.
વિક્ટોરિયા પોલીસના કાફલામાં સામેલ થયેલી નવી કાર Tesla Model X ફક્ત 4.9 સેકન્ડ્સમાં જ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પ્રાપ્ત કરી શકે છે.
Tesla Model X ના ફીચર્સ
5 સીટ્સ
2 ઇલેક્ટ્રીક મોટર્સ
5 દરવાજા
425 કિમીથી 575 કિમી સુધીની રેન્જ
ઇલેક્ટ્રીક સ્ક્રીન
આઉટ અને ઇન કાર વીડિયો શૂટિંગ
ઓટોમેટીક નંબર પ્લેટ ચેકીંગ
આ ઉપરાંત, કારની પાછળ સ્ક્રીન પણ મૂકવામાં આવેલી છે. જે હાઇ-વે પરના વાહનોને જરૂરી સંદેશો આપવા માટે વપરાશે.